વચનામૃત ગઢડા મધ્યનું - ૩

સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ ચાકળા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતાની આગળ પરમહંસ ઝાંઝ-મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.

       પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા જે, મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો; વાત કરવી છે. એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડ્યાના પણ બે ઉપાય છે તે કહીએ છીએ જે, એક તો રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન એ બે મોટ્યપ પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે, તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે અને મોટા મોટા આચાર્ય થયા તેણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે પણ તેમાં બગાડ ઘણાને થયો છે ને સારું તો કોઈકનું થયું છે. કાં જે રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેનાં અંગોઅંગનું વર્ણન થાય ત્યારે વર્ણનના કરનારાઓનું મન નિર્વિકાર કેમ રહે ? અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે જે, સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય અને રાધિકાજી ને લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહિ અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય અને એના દેહનો સુગંધ પણ અતિશે હોય માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કિયે પ્રકારે મોહ ન થાય ? એ તો થાય જ. અને લેશમાત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે, અને બ્રહ્મજ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે જે, જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિપુરુષ રૂપે થાય છે, અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મા, વિષ્ણુ, શિવ રૂપે થાય છે, ને પછી તે જ બ્રહ્મ સ્થાવર-જંગમ રૂપે થાય છે, અને તે સ્થાવર-જંગમરૂપ જે આકાર તેને વિષે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે, એવી રીતે બ્રહ્મજ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે. ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો, એવી રીતે બ્રહ્મજ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય એ મોટું વિઘ્ન છે, કાં જે સમજી-સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું; માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો, અને એ બે માર્ગ છે તે કલ્યાણના છે અને એ બેમાં વિઘ્ન પણ અતિ મોટાં છે માટે જે કલ્યાણને ઇચ્છતો હોય તેને કેમ કરવું ? એ પ્રશ્ન છે તેનો ઉત્તર કરો. પછી સર્વ પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો એ છે જે, જેમ પોતાની માતા હોય અથવા બહેન હોય તથા દીકરી હોય તે ઘણી રૂપવાન હોય તોપણ તેને દેખીને મનને વિષે વિકાર થાતો નથી, તેમ જ તેની સાથે બોલે છે, સ્પર્શ કરે છે તોપણ મનને વિષે લેશમાત્ર વિકાર થાતો નથી, એવી રીતે ભગવાનના ભક્ત જે બાઈઓ હોય તેને વિષે મા, બહેન ને દીકરી તેની બુદ્ધિ રહે તો કોઈ રીતે વિકાર થાય નહિ અને રસિક માર્ગે કરીને ભગવાનને ભજીને અભયપદને પામે; અને જ્યારે એમ ન સમજે અને કોઈ મોટા ભગવાનના ભક્ત બાઈઓ હોય તેને દેખીને અવળું સમજે ત્યારે એને મોટો દોષ લાગે અને જે અન્ય સ્ત્રીને દેખવે કરીને દોષ લાગ્યો હોય તે તો ભગવાનના ભક્તને દર્શને કરીને ટળે છે અને ભગવાનના ભક્તને જોઈને જે દોષ લાગ્યો હોય તેને ટાળ્યાનો ઉપાય શાસ્ત્રમાં કહ્યો જ નથી તેમ જ ભગવાનનો ભક્ત જે પુરુષ હોય તેને દેખીને જે સ્ત્રી અવળું સમજે તેને પણ એ પાપ થકી કોઈ કાળે છુટાય નહિ ત્યાં શ્લોક :

अन्य क्षेत्रे कृतं पाप तीर्थक्षेत्रे विनष्यति ।

तीर्थक्षेत्रे कृतं पापं व्रजलेपो भविष्योति ।।

એ શ્લોકનો અર્થ એ છે જે બીજે ઠેકાણે પાપ કર્યું હોય તે તો ભગવાન કે ભગવાનના ભક્ત પાસે ગયે છૂટે અને ભગવાન ને ભગવાનના ભક્ત પાસે જઈને જે પાપ કરે તે તો તીર્થક્ષેત્રનું પાપ છે તે વજ્રલેપ થાય છે. માટે જેને રસિક માર્ગે કરીને ભગવાનને ભજવા હોય તેને તો જે રીતે અમે વાત કરી તેવી રીતે નિર્દોષ બુદ્ધિ રાખવી. (૧) હવે જે બ્રહ્મજ્ઞાનનો માર્ગ છે તેમાં તો એમ સમજવું જે, જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે ને નિરંશ છે માટે એ વિકારને પામે નહિ ને એના અંશ પણ થાય નહિ, અને બ્રહ્મને જે સર્વ રૂપે કહે છે તેનું તો એમ છે જે, એ બ્રહ્મ જે તે પ્રકૃતિપુરુષ આદિક સર્વેનું કારણ છે ને આધાર છે, માટે જે કારણ ને આધાર હોય તે કાર્ય થકી પૃથક્‌ હોય નહિ એ સમજણને લેઈને એ બ્રહ્મને શાસ્ત્ર જે તે સર્વરૂપ કહે છે, પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવ રૂપે થઈ ગયું એમ ન સમજવું અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમનારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી, એવી રીતે સમજે ત્યારે બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૧૩૬)

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, રસિક માર્ગવાળો ભક્ત બાઈઓને વિષે મા, બહેન, દીકરીનો ભાવ રાખે તો વિકાર ન થાય અને અમને ભજીને મોક્ષ પામે અને અવળું સમજે તો મોક્ષના માર્ગ થકી પડી જાય છે. (૧) અને પ્રકૃતિપુરુષાદિક સર્વેનું કારણ ને આધાર ને નિર્વિકાર ને નિરંશ ને વ્યાપક એવું જે બ્રહ્મ તે અમારું તેજ છે એમ સમજે અને એ બ્રહ્મના પણ કારણ ને આધાર ને મૂર્તિમાન અમને સમજે અને એ બ્રહ્મરૂપ થઈને અમારી સ્વામી-સેવકભાવે ઉપાસના કરે તો નિર્વિઘ્ન થકો પરમપદ જે અમારી હજૂર સેવા તેને પામે. (૨) બાબતો છે.

       પ્ર પહેલી બાબતમાં બાઈઓને વિષે મા, બહેન, દીકરીનો ભાવ રાખે તો વિકાર ન થાય એમ કહ્યું અને (લો. ૧૦ના ૫/૭ પાંચમા પ્રશ્નમાં) પોતાની મા-બહેનને વિષે વિકાર પામે એમ કહ્યું છે તે કેમ સમજવું ?

       ઉ. (લો. ૧૦માં) અશુભ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, ઉપદેશ ને દેવતા તેને યોગે મલિન બુદ્ધિ થઈ ગઈ હોય તેનાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ એ ત્રણે ભળે ત્યારે તે પોતાની મા, બહેન, દીકરીને વિષે વિકાર પામે એમ કહ્યું છે, અને આમાં તો જ્ઞાનીની વાત છે માટે વિરોધ નથી એમ સમજવું.

       પ્ર. બીજી બાબતમાં પરબ્રહ્મને બ્રહ્મથી પર ને નોખા કહ્યા તે બ્રહ્મ તો પરબ્રહ્મનું તેજ છે, તે તેજથી પરબ્રહ્મને નોખા શી રીતે સમજવા ?

       ઉ. (પ્ર. ૪૫માં) શ્રીજીમહારાજે પોતાના તેજને સચ્ચિદાનંદ બ્રહ્મ નામે કહ્યું છે તથા (મ. ૧૦માં) બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે તથા (૧૩/૨માં) પોતાના તેજને બ્રહ્મ નામે કહ્યું છે અને (પ્ર. ૬૪/૧માં) અશરીરી જે પ્રકાશ તેના સૂર્ય-અગ્નિ જેમ આત્મા છે તેમ અશરીરી જે બ્રહ્મ તેના પુરુષોત્તમ ભગવાન આત્મા છે, તથા (પ્ર. ૬૬/૧માં) બ્રહ્મસત્તારૂપ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે તો પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો છે તથા (પં. ૧/૧માં) પોતાના અંગ એટલે મૂર્તિના પ્રકાશને અક્ષરબ્રહ્મ નામે કહ્યું છે માટે પોતાનો જ પ્રકાશ છે પણ શરીર-શરીરી, આધાર-આધેય ને કાર્ય-કારણભાવે નોખા કહ્યા છે. ।।૩।।